કોઈપણ મદદની જરૂર છે?       +91 9879060507              atmadarshanbahej@gmail.com                  ફોલૉ અસ:           

અમારા વિશે

શ્રી આત્મદર્શન ચેરીટેબલ ટ્રસ્ટ

જયોતિષશાસ્ત્રનો અભ્યાસ અને એ જ્ઞાનનો લોક લાભાર્થે ઉપયોગ કર્યા બાદ મારો એ નિષ્કર્ષ છે કે, પૃથ્વી પર સુખસગવડની ઝંખના કરતો માનવી ખરેખર સુખી જોવા મળતો નથી. દરેક વ્યકિત શારીરિક, માનસિક કે આર્થિક બાબતે હંમેશા ચિંતિત જોવા મળે છે. ચિંતા અને શોકથી ઘેરાયેલ વિશ્વના દર સો વ્યકિતમાંથી પાંચ થી દસ વ્યકિતઓ માનસિક અસ્થિરતાના ભોગ બને છે. જેના કારણે આત્મહત્યા તેમજ હૃદયને લગતા રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. માનવીનું વ્યસન પ્રત્યેનું બંધારણ પણ માનસિક સમસ્યાનો જ એક ભાગ છે. મનુષ્યની વર્તમાન પરિસ્થિતિ જોતાં તેના નિરાકારણના ઉપાયો વિશે મનોમંથન થતું રહેતું હતું; અને આ માટે શાસ્ત્રોના અભ્યાસ કરતાં જણાયું કે મનુષ્યનો જન્મ આત્મકલ્યાણ અર્થે થયો છે; પરંતુ માનવી આ તથ્ય તેમજ જીવનને સાચી રીતે સમજી શકયો નથી. ખરેખર હિંદુ ધર્મએ જીવનના મહત્ત્વના અને ઉપયોગી કહી શકાય એવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ ચાર લક્ષ્યાંકોને શાસ્ત્રમાં પુરૂષાર્થ તરીકે ઓળખાવ્યા છે. આ ચાર પુરૂષાર્થ છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ.

હિન્દુ ધર્મમાં સંસારને યોગ્ય મહત્ત્વ અપાયું છે. એટલે સંસાર સાથેનો સંબંધ એકદમ તોડી નાંખીને મોક્ષ માટે દોડવાનું હિન્દુ ધર્મ કહેતો નથી. ઉલટુ મનુષ્ય આ ધર્મબુદ્ધિથી સંસારની દૈનિક ઘટમાળમાંથી પસાર થવું જોઈએ. પોતાની કૌટુંબિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય જવાબદારીઓ હોય તે ઉત્તમ રીતે પાર પાડવાનો પુરૂષાર્થ કરવો જોઈએ, અને એમ કરતાં-કરતાં જે સુખ સગવડો પ્રાપ્ત થાય તે આત્મકલ્યાણને અવરોધરૂપ ન બને તે રીતે ભોગવવું જોઈએ.ઘણાં મનુષ્યો ઈચ્છે છે કે, તેઓ શાસ્ત્રો અનુસાર જીવન જીવી આત્મકલ્યાણ કરે. પરંતુ એનું પૂર્ણ જ્ઞાન તથા યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે લક્ષ્યથી ભટકતો રહે છે; અને સંસારની ખોટી માયાજાળમાં ફસાઈ જવાને કારણે આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે. દરેક વ્યકિત આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. યોગ્ય માર્ગદર્શનનો અભાવ તેમજ હાલમાં ચાલી રહેલા આધ્યાત્મિક ભ્રષ્ટાચારને કારણે આધ્યાત્મિકતા પ્રત્યે લોકોનો અણગમો જોઈ શકાય છે. પ્રાચીનકાલ દરમ્યાન આપવામાં આવતી આધ્યાત્મિક શિક્ષણની પ્રણાલી તેમજ શિક્ષણ આપનાર ગુરુઓ પર દૃષ્ટિ કરીશું તો ચોક્કસપણે અત્યારના શિક્ષણ અને પ્રાચીન ગુરુઓની શિક્ષણ આપવાની પદ્ધતિમાં ફરક નોંધી શકાય છે. આ શિક્ષણ આપવાની પ્રણાલીને ધ્યાનમાં લઈ પ્રાચીન સમયના શિક્ષણને ધ્યાનમાં રાખી વર્તમાન સમયમાં આધ્યાત્મિક શિક્ષણનું જ્ઞાન આપી વ્યકિતને દિવ્ય લક્ષ્ય તરફ દોરવો જોઈએ.

મારા વ્યકિતગત અનુભવો પરથી એવું લાગ્યું કે, આત્મકલ્યાણ માટે અષ્ટાંગયોગનું જ્ઞાન ખૂબ જ જરૂરી તેમજ પાયાનું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિ. આ અષ્ટાંગયોગ દ્વારા આત્મકલ્યાણ સરળતાથી કરી શકાય છે. અષ્ટાંગયોગમાં ધ્યાનનું મહત્ત્વ વધુ છે. પરંતુ જયાં સુધી શરીરશુદ્ધિ ન હોય ત્યાં સુધી વિચારશુદ્ધિ અને વિચારશુદ્ધિ ન હોય ત્યાં સુધી ધારણાશુદ્ધિ રહેતી નથી, જેથી ધ્યાન શકય બનતું નથી. ટૂંકમાં શરીરશુદ્ધિ માટે આસનો અને પ્રાણાયામ ખૂબ જરૂરી છે. એના માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા કે સંસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે.

વર્તમાન સમયમાં શારીરિક શ્રમ કરતા પણ માનિસક શ્રમનું પ્રમાણ વધુ હોવાને કારણે શરીરમાં વિવિધ પ્રકારના રોગોની સમસ્યાઓ વધતી જાય છે. તેમાંથી સ્વસ્થતા મેળવવા માટે આસન, પ્રાણાયામ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્રનો પણ યોગ્ય ઉપયોગ અનિવાર્ય બની જાય છે. ઋષિમુનિઓ દ્વારા મળેલ એક અદ્ભુત ભેટ જયોતિષશાસ્ત્ર પણ આપણા યોગ્ય જીવન જીવવા માટે મહત્ત્વનું માર્ગદર્શન બની રહે છે. જયોતિષશાસ્ત્ર દ્વારા દરેક વ્યકિતની પ્રકૃતિ ઓળખી જે તે ક્ષેત્રમાં તેનો વિકાસ સારી રીતે કરવો શકય બને છે. આ ઉપરાંત આ શાસ્ત્ર દ્વારા એ પણ જોવા મળ્યું છે કે, તેના યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન દ્વારા મનુષ્ય તેનું જીવન કેવી રીતે સરળ બનાવી શકે, અને શરીરની આધિ, વ્યાધિ અને ઉપાધિનું અગાઉથી નિરાકરણ કરી શકે. આ શાસ્ત્ર આત્મકલ્યાણ માટે પણ એટલું જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી જ તો જ્યોતિષશાસ્ત્રને વેદોની ‘આંખ’ કહેવામાં આવે છે.

વ્યકિતના આધ્યાત્મિક, શારીરિક, માનસિક કે આર્થિક મૂંઝવણનો પ્રાણાયામ, યોગ, આસન, જયોતિષશાસ્ત્ર, આયુર્વેદ વગેરે શાસ્ત્રોના ઉપયોગથી ઉકેલ મેળવી આત્મકલ્યાણનો માર્ગ મેળવી શકે એવી એક સંસ્થાની મને જરૂર લાગી અને ‘આત્મદર્શન' એ એની ફલશ્રુતિ છે. મનુષ્ય તેનું જીવન સરળ, સહજ અને નીરોગી રીતે જીવી આત્મકલ્યાણનું ધ્યેય પ્રાપ્ત કરે એજ આ સંસ્થાનો પ્રયત્ન રહેશે. આ સંસ્થાના નિર્માણ તથા સંવર્ધન હેતુસર આપના તરફથી સૂચનો, શુભેચ્છાઓ તથા દાન આવકાર્ય છે.

અમારા ઉદ્દેશ્યો:   માનવી પોતાનું જીવન સરળ અને સ્વસ્થ રીતે જીવીને આત્મનિર્ભરતાનું લક્ષ્ય હાંસલ કરે તે માટે આ સંસ્થાનો પ્રયાસ રહેશે.

પ્રવૃત્તિ સૂચિ

  • જયોતિષશાસ્ત્ર
  • યોગ
  • પ્રાણાયામ
  • ધ્યાન
  • ધ્યાન એટલે શું
  • આયુર્વેદ
  • બાળકેળવણી
  • સદાચાર
  • સંયમ
  • બહ્મચર્ય
  • વિદ્યા
  • માતા-પિતા, આચાર્ય આદિ વડીલોની સેવાઃ
  • ગુરુજનોની સેવા
  • ઈશ્વર ભકિત
  • સ્ત્રી સશકિતકરણ
  • સંશોધન વિભાગ